શ્રી આરાસુરી – અંબાજી માતા દેવસ્થાન
અંબાજી
ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની
સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી ખૂબ જ મશહૂર
યાત્રાધામ ગણાય છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું. અંબાજી એ
સમુદ્ર સપાટીથી ૧૫૮૦ ફીટની ઉંચાઇ ઉપર અરવલ્લીના પહાડોની વચ્ચે વસેલું છે.
અંબાજી મંદિરમાં કોઇ દેવીની મૂર્તિની પૂજા થતી નથી. પરંતુ વીસાયંત્રની પૂજા
કરાય છે. આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે જે ઉજ્જૈન તેમ જ નેપાળના
શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં એકાવન અક્ષર
હોવાનું પ્રમાણ છે. આ યંત્રની દર મહિનાની આઠમે પૂજા થાય છે. આ
તીર્થક્ષેત્રમાં બારે માસ યાત્રીઓ દર્શન માટે આવતાં હોય છે. દર માસની પુનમે
બહુ મોટી સંખ્યામાં યાત્રિકો અહીં આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચઢાવે
છે. ધાર્મિક રીતે અંબાજી ભારતની શક્તિપીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ
વિસ્તાર સરસ્વતી નદીનું ઉદગમસ્થાન અને આદ્યશક્તિનું પુરાણપ્રસિધ્ધ સ્થાન છે. અંબાજીથી બે કિલોમીટર દૂર ગબ્બરના
પહાડ આવેલી ગુફામાં અંબામાતાનું આદિસ્થાન મનાય છે. અંબાજીમાં નવરાત્રિનો
ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. દર ભાદરવી પુનમે અહીં મેળો ભરાય છે અને
યાત્રિકો અંબાજી યાત્રાધામના દર્શને પગપાળા આવી પોતાને ધન્ય માને છે.
મંદિરની નજીક આવેલ વિશાળ સ્થાપત્ય કલાનું બેનમૂન વર્ષો પુરાણું માન સરોવર
આવેલું છે. જ્યાં કૃષ્ણ ભગવાનની ચૌલ ક્રિયા કરવામાં આવી હોવાનું માનવામાં
આવે છે.[૧]
અંબાજીના મંદિરમાં કાંઈ વિશેષતા નથી. પરંતુ તેની માન્યતા તથા શ્રદ્ધા
લોકોમાં વિશેષ જોવા મળે છે. મૂળ આ મંદિર વર્ષો પહેલા બેઠા ઘાટનું નાનું
હતું, પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સુધારા સાથે અત્યારે આ મંદિર
તેની સર્વોચ્ચ ઉંચાઈને સર કરે તેવું અને ભવ્યાતિ ભવ્ય મંદિરના ટ્સ્ટ્રીઓ
દ્વારા બનાવવામાં આવ્યું છે.[૨]
અત્યારે તો મંદિરની ઉપરનો કળશ સંપૂર્ણ સોનામાંથી બનાવવામાં આવ્યો છે.
મંદિરની આગળ મોટો મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે. ખાસ વાત યાદ
રાખવા જેવી એ છે, કે આટલી મોટી સંખ્યામા અહી યાત્રાળુઓ આવે છે પરંતુ તેમને
કદાચ એ વાતની ખબર નહી હોય કે માતાજીના અસલ સ્થાનકમાં માતાની મૂર્તિ નથી, પણ
ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભુષણો ગોઠવવામાં આવે છે કે જેથી
કરીને દર્શન કરનારને સવાર, બપોર ને સાંજે જાણે કે વાધ ઉપર માતાજી બેઠાં હોય
એવા જુદી જુદી જાતના દર્શન થાય છે. બિલકુલ આ માતાજી આગળ વર્ષોથી ધીના બે
અખંડ દીવા બળે છે.
માતાજીના દર્શન સવારે અંદરનું બારણુ ઉઘડતાં થાય છે. સવારે અને સાંજે એમ
બે વખત કરવામાં આવતી આરતીના સમયે પણ દર્શન થાય છે. વર્ષો પહેલા બ્રાહ્મણો
અંદર જઈને માતાજીની પુંજા કરી શકતા હતાં. હાલના સમયમાં માત્ર પુજારીઓ જ
અંદર જાય છે. બાકીના વખતે તો પણ બહાર રહી આખો દિવસ દર્શન થઈ શકે છે.
મંદિરમાં અંદરના ખંડને જાળીવાળા રૂપાના પતરાં મઢેલા બારણા છે, મંદિરના આગલા
ભાગ ઉપર ધાબુ છે અને તેના ઉપર ત્રણ શીખર છે.
અંબાજીના મંદિરની સામી બાજુએ ચાચરનો ચોક છે. માતાજીને ચાચરના ચોક વાળી
પણ કહેવામાં આવે છે. આ ચાચરના ચોકમાં હોમહવન કરવામાં આવે છે. યાત્રાળુઓ હવન
વખતે પુષ્કળ ઘી હોમે છે.
મેળાઓ
અંબાજીમાં વર્ષે બે થી ત્રણ મેળાઓ ભરાય છે અને મેળા વખતે ભવાઈ ભજવવામાં
આવે છે. અંબાજીમાં માન્યાત નાગર જેવી સંસ્કારી કોમ ઘણી હોવા છતાં ભવાઈનો
રિવાજ ચાલુ છે.
કથા
આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં શ્રીકૃષ્ણ થીયે જુના કાળનું મનાય
છે. શ્રીકૃષ્ણ પોતાના બાળમોવાળા આ ઠેકાણે ઉતરાવવા આવ્યા હતા તેવું મનાય છે.
અને રૂક્મણિએ આ માતાજીની પૂજા કરી હતી તેવું મનાય છે. જો આ દંતકથાઓને
છોડીને ઐતિહાસિક પુરાવાઓ તપાસીએ તો,માનસરોવરના કિનારા ઉપરના મંદિરમાં
મહારાણા શ્રી માલદેવનો વિ.સ. 1415 (ઈ.સ. 1359) નો લેખ મળે છે. અંબાજીના
મંદિરના અંદરના મંડપના દ્રારમાં એક સ. 1601 નો લેખ છે. તેમાં રાવ
ભારમલ્લીની રાણીએ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાની લેખો છે, તે 16 માં
શકતના છે. એક બીજા સં. 1779 ના લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત છે. મતલબ
કે. ઈ.સ. 14 માં શતકથી તો આરાસરુનાં અંબાજીની માન્યાતા સતત ચાલી આવે છે. પણ
તે પહેલાના બસો-ત્રણસો વર્ષથી આ સ્થાનનો મહિમાં ચાલું હોવાનો સંભવ છે.
કારણ કે અંબાજીની નજીકમાં કુંભારીઆ કરીને એક ગામ છે.આ ગામમાં વિમળ શાહના
ધોળા આરસ પહાણનાં જૈન દેરાસરો છે .આ દેરાસરો વિષે એવી દંતકથાઓ છે કે
અંબાજીએ આપેલા ધનથી આ જગ્યાએ વિમળ શાહે 360 દેરાસરો બંધાવ્યા,પણ માતાજીએ
પૂછ્યું કે,આ દહેરા કોના પ્રતાપથી પ્રતાપી ? ત્યારે વિમળશાહે જવાબ આપ્યો કે
ગુરૂના પ્રતાપથી. આ જવાબથી ગુસ્સે થઈને માતાજીએ દેરા બાળી નાંખ્યા. અને
માત્ર પાંચ રહેવા દીધા.
દેવી ભગવતીની કથા અનુસાર મહિષાસુરે તપ કરી અગ્નિદેવને પ્રસન્ન કર્યા,
એમણે વરદાન આપ્યું કે નરજાતિના નામવાળા શસ્ત્રોથી તેને મારી શકાશે નહી. આ
વરદાનથી તેણે દેવોને હરાવી દીધા અને ઇન્દ્રાસન જીત્યું તથા ઋષિઓના આશ્રમોનો
નાશ કર્યો. પછી વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું. આથી દેવોએ
ભગવાન શિવની મદદ માંગી. ભગવાન શિવે મદદ માટે દેવી શક્તિની આરાધના કરવા
દેવોને જણાવ્યું દેવોએ તેમ કરતાં આદ્યશક્તિ પ્રગટ થયા અને તેમણે મહિષાસુરનો
નાશ કર્યો. તેથી દેવી મહિષાસુર-મર્દિની તરીકે ઓળખાયા.
બીજી એક કથા મુજબ સીતાજીની શોધ કરતાં રામ અને લક્ષ્મણ આબુ પર્વતના
જંગલની દક્ષિણે આવેલા શ્રૃંગી ઋષિના આશ્રમે આવ્યા. ઋષિએ તેમને અંબાજીની
આરાધના કરવા કહ્યું. રામ અને લક્ષ્મણે આરાધના કરી, દેવોએ પ્રસન્ન થઇ અજય
નામનું એક બાણ આપ્યું જેનાથી રામે રાવણનો નાશ કર્યો.
દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધી માટે નંદ અને યશોદા ગબ્બર
આવ્યા હોવાનું અને ત્રણ દિવસ રોકાઇને ભગવાન શિવ તથા અંબાજીની પૂજા-અર્ચના
કરી હોવાનું એક કથામાં વર્ણન છે.
join us:
EVERGREEN GUJARAT
No comments:
Post a Comment